56 - મરણનો રંગ રાખોડી વધારે ભૂખરો ના કર / હરીશ મીનાશ્રુ


મરણનો રંગ રાખોડી વધારે ભૂખરો ના કર
તને નરસિંહ ક્હે છે તો, ખરેખર ખરખરો ના કર

સફેદીથી ઝળકતો શબ્દ કાબરચીતરો ના કર
અવળવાણી વદીને અર્થને અળવીતરો ના કર

રખે ને ઓગળે આંસુમાં અંજનરેખ, સાચવજે
પીડાનો રંગ ઉજ્જ્વળ છે તો એને સાંવરો ના કર

વજન તારા અરીસાનું તો વધતું જાય છે હરપળ
પ્રતિબિંબોનો નાહક આ રીતે તું સંઘરો ના કર

સ્વયં છે સૂર્યની પિતરાઈ આ પરછાંઈ, એને તું
ચરણ તળિયે દબાવી આમ વ્હેરોઆંતરો ના કર

મહાકાળે અમસ્થી કાળી લીટી ચીતરી દીધી
તું એને આમ છંછેડી વૃથા કાળોતરો ના કર

પરમ અજ્ઞાનની ભાષા થકી પ્રગટે સહજ કવિતા
હે બાવનબ્હાવરા, તારો જ તે કક્કો ખરો ના કર


0 comments


Leave comment