57 - વન વચાળે પુષ્પ-ભૂલી બે’ક પાંખડીઓ મળી / હરીશ મીનાશ્રુ


વન વચાળે પુષ્પ-ભૂલી બે’ક પાંખડીઓ મળી
નામ ઝાકળનું લીધું ત્યાં તો બની બેઠી કળી

નિજર્ળા એકાદશીઓ આજ સાગમટે ફળી
પાંપણે પ્રગટી રહી પાતાળગંગા પાતળી

એમનું દર્શન : કહો, ઝળહળ લિસોટો સ્વપ્નનો
કોઈએ જાણે નયનમાં ફેરવી સુરમા-સળી

ચાંદનીની જાતરા ને સાવ શ્રદ્ધાળુ પવન
પગ તળે જાસૂદ પાથરતાં રહે છે સુખતળી

હેતથી જ્યાં હાથ પસવાર્યો હરણના દેહ પર
જાનકીના અંગ પર ઝળહળ કનકની કાંચળી

રોજ ખિસકોલીની પીઠે કોણ ફંફોસ્યા કરે
દર્ભની વીંટી લઈને રામ, તારી આંગળી

શો હશે દરવેશ, તારી તૃપ્તિનો ઝીણો મરમ
છાલિયું નિત છાશનું ને કોક દિ’ ઘીની પળી

આદિ રંગો મૂળ ત્રણ છે : લાલ મારા રક્તનો
પીત પૃથ્વીનો અને નભનો સનાતન વાદળી

વ્યાકરણવિદ્‌, વ્યંજનાનો અર્થ પૂછો છો મને
શું કહું ? બસ આપને પણ ડંખ મારે ડાંખળી...

આ ગઝલને કાફિયાની શી પડી, જેની કને
નાક નથણી, કેડ કંદોરો, ચરણમાં સાંકળી


0 comments


Leave comment