58 - નદીને મૂઠ મારીને તણખલા શી કરી નાખી / હરીશ મીનાશ્રુ


નદીને મૂઠ મારીને તણખલા શી કરી નાખી
અમે પણ દાંત વચ્ચેથી તરસને ખોતરી નાખી

ન દેશો પાનખરને દોષ,-મારી જાતને, મિત્રો
વસંતોના વિચારોએ ઇયળવત્‌ કોતરી નાખી

વમળનો વ્યાપ વિસ્તરતો રહેશે મનપદારથમાં
પૂનમના ચન્દ્રની સરવરજળે મેં કાંકરી નાખી

ઉમેરી પીડ પંખીની અકળ, પાષાણના મનમાં
તમે પર્વતને કાંધે પાંખ અમથી ચીતરી નાખી

અવળવાણીનું ઘર શોધી, હૃદય, તું ગુપ્તવાસો કર
સરળ જિહ્‌વા ઉપર ભાષા જરી અળવીતરી નાખી

ગઝલ ઓ જાય ગંગાબાઈની વાળી પહેરીને
ચરણમાં કીડીબાઈની ઝણકતી ઝાંઝરી નાખી


0 comments


Leave comment