59 - હું સતત રત, વટાવ્યા કરું રાતને / હરીશ મીનાશ્રુ


હું સતત રત, વટાવ્યા કરું રાતને
સ્પર્શવા સદ્ય આનંદઘન પ્રાતને

પુરૂષમાં લીન હો સર્વ પુરૂષાતને
હુંપણું ઝંખતું અકળ એ વાતને

એ જ પળ ધવળ મુક્તા બની ઝળકશે
શુક્તિના બંદથી મુક્ત કર સ્વાતને

માત્ર સામીપ્યથી લેશ હું તૃપ્ત ના
આજ આલિંગવા જાઉં સાક્ષાતને

હું વસું તે સહજ વેદનાનું ભુવન
નેહથી નોતરું નાગરી નાતને

અખિલ બ્રહ્માંડને ક્યાં પડી કોઈની
ભૂંસીએ ચાલ ચહેરા-અતિ ખ્યાત-ને

રજકણે ને ક્ષણે વ્યક્ત જે વિશ્વમાં
મારી ઓળખવિધિ શુદ્ધ અજ્ઞાતને

શબ્દ હું આદ્ય, આદિત્યથી પૂર્વનો
શું કરું ગઝલને, ગોત્રને, ગાતને


0 comments


Leave comment