60 - પાણીના ટીપામાં પનઘટ લાવજો / હરીશ મીનાશ્રુ


પાણીના ટીપામાં પનઘટ લાવજો
જાવ છો, જાલિમ, તો ઝીણવટ લાવજો

પૂરી દેજો એક પાંખાળી નદી
ને ઈંઢોણી પર મૂકી ઘટ લાવજો

અધખીલ્યાં આંસુની ઉપરવટ જઈ
ક્ષણ બધી યે જીવસટોસટ લાવજો

દાસી જીવણની કટારી જેવડી
કાળજે કારી કટોકટ લાવજો

આયના સાથે તો કજિયા રોજના
દૂબળા કાજીની કોરટ લાવજો

ધૂળધાણી થૈ ગયાં હો ઘર ભલે
ધૂળની ચપટીક ઘરવટ લાવજો

પિંજરું ઉત્કંઠ રાજા રામનું
આભસોતો એક પોપટ લાવજો

પગ પખાળી લો ને કેવટ, નાવ આ
હોય કાગળની ભલે, તટ લાવજો

ડાંખળી આપું પરાઈ પીડની
મનમાં ઉછેરી કબીરવટ લાવજો

આમ્રવૃક્ષોના ઇશારે, હે કવિ
શબ્દ રસબસતો ને પાકટ લાવજો

કૈં જુગોથી હું અહીં હાજરહુજૂર
લાવો પેગંબર તો પરગટ લાવજો


0 comments


Leave comment