63 - ખગોલ ભેદી ખગ ચડવાનાં / હરીશ મીનાશ્રુ


ખગોળ ભેદી ખગ ચડવાનાં
ઊલટપલટ મારગ ચડવાના

ડૂબકી મારી ઊંચા ડુંગર
વિના પાંખ કે પગ, ચડવાનાં

સાપસીડીનાં સગપણ સરરર
લસરીને ક્યાં લગ ચડવાનાં

કીડીના કાંધે બેસીને
સ્તંભ બધા ધગધગ ચડવાના

ક્ષુધાતુર પડછાયા પૂછે
કયા પાણીએ મગ ચડવાના

મુદ્દલ ઉપર મરણ જેવડાં
વ્યાજ કહો ક્યાં લગ ચડવાનાં

નપાણિયા પગની પાનીથી
લાગ જોઈ કળજગ ચડવાના

સર્પથી ય કાતિલ રજ્જુનાં
ઝીણાં ઝેર અલગ ચડવાનાં

ક્ષણની ટોચે અમે જ, અવધૂ
ધજા બની ફગફગ ચડવાનાં

ચઢાણ સીધાં છે સમજણનાં
શબ્દ વડે ડગમગ ચડવાનાં


0 comments


Leave comment