64 - એ કહે, પાષાણવત્‌ આ પળ નર્યું પોલાણ છે / હરીશ મીનાશ્રુ


એ કહે, પાષાણવત્ આ પળ નર્યું પોલાણ છે
હું કહું, ત્યાં શૂન્યની સોના રૂપાની ખાણ છે

આમ તો હોવું સ્વયં નિર્ગુણ આરસપ્હાણ છે
પણ સલાટે સ્પર્શ કરતાંવેંત એ રસલ્હાણ છે

વ્યક્ત છો કે મધ્ય છો, ભયભીત છો કે ભીંત છો
દર્પણો, સાચું વદો, તમને તમારી આણ છે

હું પ્રલયનો મિષ્ટ લય ઘાલું ગલોફામાં અને
વિશ્વ આખું રેવડીની જેમ દાણાદાણ છે

ભેદ ક્યાં છે રણ સમંદર પ્હાડ કે મેદાનમાં
એક ટપકું એક રેખા વહી શકે તો વ્હાણ છે

એમને પૂછી મહૂરત એક્‌ નદીએ આજ તો
પર્વતોની ટોચ પ્રત્યે આદર્યાં પરિયાણ છે

સૂર્ય ઝાકળમાં પીગળતો, ગંધમાદન પાંખડી
કોની ઝીણી હાજરીનાં આ બધાં એંધાણ છે

વેઢ તારા સોહતા મારાં દશે અંગૂલ પર
આ ગઝલ પણ, ભટ્ટ પ્રેમાનંદ, તારી માણ છે


0 comments


Leave comment