65 - અંજલિભર શુદ્ધ જલ / હરીશ મીનાશ્રુ


અંજલિભર શુદ્ધ જલ
સૂર્યની તૃષા તરલ

કુંદનાં ફૂલો ધવલ
શ્રી હરિનાં હમશકલ

મન પરોઢે ઘૂંટતું
મંદ ખુશ્બૂના ખરલ

આ સરોવરમાં ગગન
ગૂઢ અવગાહે અતલ

હે ક્ષણોના રાજવી
નિત્ય પર તારો અમલ

તું શયનખંડે જટિલ
ને સભાગૃહે સરલ

આ ગરલનો ઘૂંટ પણ
હોઠ અડતામાં ગઝલ

એ જ છે થાનક અસલ
જ્યાં શમી ગૈ દડમજલ


0 comments


Leave comment