66 - આ હથેળીમાં રસાતળ હોય તો ? / હરીશ મીનાશ્રુ


આ હથેળીમાં રસાતાળ હોય તો ?
શ્યામગર્તાની વિકટ પળ હોય તો ?

આંસુઓને પણ ઉતાવળ હોય તો ?
એ પરાઈ પીડ પાછળ હોય તો ?

તુલસીનાં પડિયો ને પાતળ હોય તો ?
ને તૃષાનો અર્થ ઝાકળ હોય તો ?

નિયતિની રૂદ્ર કોલાહલ ક્ષણો
સૂર્યના અશ્વોની હાવળ હોય તો ?

અંતરીક્ષો હોય તારી જીભ પર
તારી ભાષા સૌરમંડળ હોય તો ?

શબ્દ આ તે સર્પ છે કે સીંદરી
ને વળી એમાં ચડ્યા વળ હોય તો ?

તું ગઝલને આળખે જે શાહીથી
એમની આંખોનું કાજળ હોય તો ?

ગ્રહ ગણી જ્યાં આપણે આવી વસ્યાં
સાવ કોરો એક કાગળ હોય તો ?

પ્રશ્નનો આ મ્હેલ : અગણિત ઓરડા
દ્વાર ઉત્તરનાં અનર્ગળ હોય તો ?


0 comments


Leave comment