16 - હજી આ હાથમાં / કિરણસિંહ ચૌહાણ


દિવ્ય સુખની પળ હજી આ હાથમાં,
છે કલમ, કાગળ હજી આ હાથમાં.

ભાર તારી જિંદગીનો ઊંચકું,
એટલું છે બળ હજી આ હાથમાં.

હસ્તરેખા જોઈને જિવાય નહિ,
બહુ છે એવા સળ હજી આ હાથમાં.

ઝાલી'તી વહેતી નદીની આંગળી,
થાય છે ખળખળ હજી આ હાથમાં.

હાથ આ કયારેય ખાલી થાય ના,
સ્પર્શ છે પુષ્કળ હજી આ હાથમાં.


0 comments


Leave comment