22 - ઘડિયાળની સાથે / કિરણસિંહ ચૌહાણ


રહે છે રોજ અધ્ધરશ્વાસ ને જંજાળની સાથે,
બધાં પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.

બધાંની ખૂબ જૂની આળ ને પંપાળની સાથે,
સતત ઊંચે જવાનું હોય છે આ ઢાળની સાથે.

અમે પંખી નથી માણસ છીએ, બસ એ જ કારણથી,
અમારે એકલા ઊડવું પડે છે જાળની સાથે.

સજા દ્યો છો તમે ને એય કેવળ ભૂખ્યા રહેવાની!
અમે વરસો સુધી કુસ્તી કરી દુષ્કાળની સાથે.

તમે ઘરડાંઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
હવે પાયો ત્યજીને કયાં જશો આ માળની સાથે?


0 comments


Leave comment