23 - થાકી જવાશે / કિરણસિંહ ચૌહાણ


બધું યાદ કરવામાં થાકી જવાશે,
આ પોતાના કિસ્સાય ભૂલી જવાશે.

તને આંસુ આપી શું જીવી શકાશે?
અરે, શ્વાસ લેતાંય હાંફી જવાશે.

કરો છો તમે સ્પર્શ હેતાળ એવો,
આ ચિતરેલા પંખીથી ટહુકી જવાશે.

ગગન સાથે ઓળખ શી રીતે કરીશું?
હવે પીંજરેથી તો છૂટી જવાશે!

બધીવાર શું કાચબો જીતી શકશે?
બધીવાર સસલાથી ઊંઘી જવાશે?


0 comments


Leave comment