26 - બંદગી ગમતી નથી / કિરણસિંહ ચૌહાણ


એવું બિલકુલ છે જ નહિ કે લાગણી ગમતી નથી,
એકની એક જ તમારી બંદગી ગમતી નથી.

જો ન હો ઉન્નત સ્વરૂપે, જિંદગી ગમતી નથી,
આ ઝૂકાવી નાખતી દીવાનગી ગમતી નથી.

અલ્પતાના ભાવમાં અહિ ભવ્યતા વેચાય છે,
જીવતાં સ્વપ્નોની આવી હાટડી ગમતી નથી.

કોઈ દિ' એ કોઈની ઈચ્છા મુજબ વરસે નહીં,
વાદળોને કોઈની પણ નોકરી ગમતી નથી.

સાવ હળવાફુલ થઈને માણવી છે આ સફર,
માથે કાયમ સગવડોની ગાંસડી ગમતી નથી.


0 comments


Leave comment