12 - જીવાજી ઠાકોર / દલપત પઢિયાર


જીવરામ !
તમે પાશેર પાણી
ને અધોળ અજવાળું,
માગી આણેલી માટી
ને વાંસ-વીંધેલો વાયુ.
ગાડું તો ઠીક ગબડ્યું આજ લગી
પણ વાગ્યા કર્યું, પોલું નગારું !
તમે સમી સાંજે
પરથમ પહેલા માંડ્યા ગણેશ
ને પરભાતે પાછા એના એ વેશ.
વસ્ત્ર બદલ્યાની વાત લઈને
તમે વારંવાર ઊકલ્યા
ને વારંવાર વીંટાયા, વિદેશી ?
છે કોઈ છેડો ?
હોય તો લાવો, તમને છત્તર ધરીએ !
આનંદ-મંગળ આરતી કરીએ.
ઠીક છે, જીવાજી ઠાકોર !
તમતમારે ખાધા કરો ખોંખારા
ને કર્યા કરો બંદુકોના ભડાકા.
ડાકોરમાં રણછોડજીની ગેરહાજરીમાં પણ
ગોમતીજી ગાજે છે, નહીં !
તમે અહીં કીર્તિ કેરાં કોટડાં માટે
પથરો થઈ ગયા.
ક્યારેક પાળિયામાં પેઠા
ને પાણીમાં નીકળ્યા !
તમે એક સાથે બધી જ
મૂછોના સરવાળો થયા !
તમારા અભરખાના ઠેર ઠેર જાસા થયા
પણ તમે અંદરથી જરાય ઓછા ન થયા.
અમને હતું કે
કોઈ એકાદ જગ્યાએ તો
અંદર-બહાર થશો.
અમે ભોંઠા પડ્યા.
એવું કશું બન્યું જ નહીં.
માથા ઉપર પાઘડી મૂકીને નીકળ્યા
ત્યારે તમારી આંખોમાં પટોળાં
ટોળે વળતાં’તાં
એ તો ક્યારેય કહ્યું નહીં !
તમારી ચાલ તો વાઘ મારવાની હતી
ને

વિંધાઈ આવ્યો એ વંદો હતો
તે એનો ફોટો ક્યાં સંતાડી રાખ્યો છે, ઠાકોર ?
ચિત્તા સાથે છબી પડાવવા માત્રથી
બધી બાજી જીત્યાનો ખોંખારો ખાવ
તે ખોટું
હા, સાવ જ ખોટું !
ખરાખરીના ખેલમાં તમે ખાડું થયા હો તો
હું કંઈક વાત માંડું ને !
તમે તો
તમારી મેતે જ મંદિર અને મેતે જ માંહ્યલા !
જાતે જ ઝાંપો ને જાતે જ જળધારી
ઝાઝું શું કહીએ જીવરામ ?
બધી જોડણી જ અણધારી !
જુઓ :
પેલો તારો ખર્યો,...
આ જળમાંથી પરપોટો સર્યો
ખૂંટામાં ખાલી જગ્યા પડી ને
આ લ્યો
કીડીએ ખરખરો કર્યો !
પણ તમારે ખૂણાની ક્યાં ખોટ છે?
આપણાં તો એનાં એ જ કામ
લ્યો ત્યારે ફરી એક વાર :
“રામ બોલો ભૈ રામ... .. ...!”


0 comments


Leave comment