13 - ગરનાળાની ઘો / દલપત પઢિયાર


ગરનાળાની ઘો
આજુબાજુ જો
આમ ધમ્મક ધમ્મક ચાલ ના
અમથી અમથી ફાલ ના
જો
પગલા પાછળ પગલું આપે ખો...!
અમથી શું કામ આવડાં પાંથીપટિયાં પાડે છે ?
દા’ડામાં દસ વાર પડદા ઢાળે છે, શાને ?
કંઈ કેટલાંય પટોળાં બદલે છે !
ભાતભાતની પીનો ખોસે છે !
વારેવારે મોઢું શું લૂએ છે ?
રંગ કાચો ’લી ઓછાં અંગડાં ધો !
તું નહીં માનવાની !
ઠાગાઠૈયા કરતી, તારા તાનમાં જ ચાલવાની !
તારા મનમાં કે તું ઠીક સલામત છે
કોટ છે, કાંગરા છે, ભીડોભીડ મિજાગરા છે
પછી ક્યાં ઉજાગરા છે ?
તું ઇચ્છે ત્યારે આંબા વાવે
ઇચ્છે ત્યારે વીંટી લાવે
નહીં તો એકલી એકલી ખીંટીને પણ ધાવે !
કેડમાં કંદોરો ને કોટમાં દોરો
આવે ને જાય તારો અમથો એંદોરો !
આંખ કહેતાં આઠ લાખ દ્રશ્યોની બારીઓ
એક સાથે હાજર થાય
પછી તું કોલસા શું કામ ચાવે ?
પૃથ્વી તારા પ્રવાસ માટે જ છે
ફર જા
પણ ડગલાં દોઢાં ના ભરતી,
માપમાં રે’જે પછી
છીંડે છીંડે શ્વાસ ખૂટ્યાનો ભો !

-એડીવાળાં ચંપલ ?
તે પહેરવાં હોય તો પહેરાય
પછી તો ચૂંદડી પણ લહેરાય જ ને !
એથી થોડું ઊંચું જવાય ?
જલેબી જોતાં જીભ લબકારા મારે
તે ચટાક ચકતું બગાડાય ?
પાપડીઓનું શાક ખાવા
તું વેલે વેલે વધવા માંડે તે ખોટું !
-તે બજારમાં જવાય,
ગોગલ્સ ચડાવી હારું નડતું જોવાય,
ઘડિયાળ બાંધી અંદરને અંદર ફરાય,
ખોવાવાનું થાય ત્યાં જરા ખટકો રાખવો પડે;
બાકી બોગનવેલનો વાંધો નહીં !
એમ તો ઘૂઘરી બી બંધાય
ને છત્રી બી ઓઢાય
પણ છડા સંભળાય કે છાપરેથી પડતું ના મેલાય !
તું જ નાભિ ને તું જ નવેરી
પછી તું કોનું સાંભળે ?
જરાક, લચકો લીલું દીઠું કે નાઠી જ છે !
છે કોઈ છેડો-છપરપગી ?
લાજ મેલી લૂગડે ને હેંડી ઊભે વગડે
તે એવા ઉભડક વેગથી વાદળાં થોડા બંધાય છે ?
પેટપંઝા દીવાલમાં ચુસ્ત રીતે જડી દીધા પછી પણ
કોણ જાણે તું કેટલા કિલ્લા કૂદે છે ?
ખબર છે ?
દરેક ગઢની ઈંટ
એક ખરતા સમયનું અટેકણ લઈ સૂતી છે ક્યારેક
નખ જેટલું નિમિત્ત લઈને
આ બધું ધસી પડવાનું છું !

ને તું બોલે બોલે
આમ બાંધણીની પહાર નીકળી પડે તે કેવું ?
આ ગડગડ ગાજે આભ ભૂંડી તું અંદર જા !
માથે શકરો બાજ અલી તું ઓછું ખા !
કંઈ નહીં તો એકાદું મંગળ ગા !
ક્યાં સુધી આ ગામતરાં ચાલશે ?

કેટલી જગ્યાએ કુંભ મૂકવાના બાકી છે, કુંવારી ?
આ ઝાડમાં છેક ટોચ સુધી પાણી વહે છે.
તું ક્યે દા’ડે તારા ઘરમાં રહે છે ?
ને પછી ફળ પણ ગણ્યાં નહીં ગણાય એટલાં !
તારાથી એક પાડોય નહીં જણાય, હરાયી !
આ રાડાં ભરેલું મોઢું
એક દિવસ સુકાઈ ન જાય તો મને સંભાળજે !
આમ કાતરિયાં ના ખા,
કહું છું કોતરમાં ના જા !
ઊતરી પડેલો એકે રસ્તો પાછો આવ્યો નથી !
એમ ને એમ પાળિયાં આવશે
આંખે નળિયાં ને ઉપર ઝળઝળિયાં આવશે.
ઘટતું તારું જળ ગાળીને જો
અમથો અમથો જનમારો ના ખો
ગરનાળાની ઘો...!


0 comments


Leave comment