14 - નજરના છેડા / દલપત પઢિયાર


આ નજરના છેડા
કઈ ભોંયનાં મૂળ સૂઘતાં પડ્યા છે
તે ઘેન જ છૂટતું નથી !
લહેર જેવું કશું ન હોય ને
આખી કથરોટ ગોટમોટ કરી નાખે
એટલું બધું જોર હોય છે, નજરનું !
ક્યારે આંખ બંધ હોય ને
આખું બજાર ધમધમ દાદર ચડતું હોય !
નજરનું નામ લેવા જેવું નથી.
એક છેડેથી લાડ કરતી હોય.
જોતી હોય તમને
અને જોખતી હોય બીજાને
જોતાંવેંત લાગે કે
શું નીતરેલી જગ્યા છે !
પણ અંદર તો
કેટલાંય કુંડાળા એમનાં એમ જ પડ્યાં હોય.
આંખમાં તાર પરોવીને
તે લાગણી કેટલું આવ-જા કરી શકે ?
વાત જ જવા દો યાર
ઉપરથી આખું નેવું ધડધડ વરસતું હોય
ને હેઠે થાળું
તો કે’ કોરું ખટ્ટ !
અમે તો
ઠંડકની મિષે આંખમાં લીમડા નિતર્યા હતા
ને પછી
વેલે વેલે ચડઊતર થયા, એ તો નાગ !
નજરને, અમે
ગુજેડાં થવા સારુ રમતી મૂકેલી
શું ખબર કે પગલાં બધાં ઢગલી વળી જશે !
એક સમય
રાખોડી થઈ ગયા પછી પણ
કાચી રહી ગયેલી લાગણીઓ
અહીં ઘુમાયા કરે છે !
અમને હતું કે
હથેળીઓ આટલે આવીને મેંદી થશે,
પણ હાથ જ મેલ્યા નથી, પછી !


0 comments


Leave comment