15 - કાલે / દલપત પઢિયાર


ઊપલાણાના ઊના વા
કાલે શમી જશે.
કાલે કદાચ ચોમાસું બેસે
ભીને ભારે આભ ઊતરે
ને લીલી ડૂંખે
ધરતીનો હરખ ફૂંટી નીકળે
ત્યારે રખે કહેતા :
આંબલીને છાંયે, તડકા સમેટતો
એ વર્ષોથી બેઠો હતો !
પંખીઓ કાલે પાછાં ફરશે,
માળા બાંધશે,
વરસાદના ઘેનથી નમી પડેલી ડાળીઓએ
આ વગડાનું મૌન ઊઘડી જાય
ત્યારે
મારી ખૂટતી જગ્યા ઉપર આવીને
કહી જજો :
ચોમાસું આવવાનું છે એની
આને ખાતરી હતી... ... ...


0 comments


Leave comment