16 - સાંતી / દલપત પઢિયાર


સાંજે,
સાંતી છોડું છું કે
દિવસભર જોતરાયેલું ખેતર
ખરીમાંથી છલાંગ મારી જાય છે !
ગમાણમાં થાક ખાતો સમય
બળદની આંખમાં ઢગલો થઈ જાય છે !
ને, મારા નીંદરના ગામમાં
કંઈ કેટલાંય ગાડાં આવીને છૂટે છે !
વણઝારની વણઝાર વહી આવે છે
એને પાદરે
એક સામટા અસહ્ય બોજથી દબાતો જાઉં છું
ત્યારે મને થાય છે કે
બળદની કાંધેથી
મારે ઘૂંસરી ઉતારી લેવી જોઈએ.
હું રાશ ખેંચું છું
ત્યાં સૂરજ ઊગી ગયો હોય છે...
- હું સાંતી ફરીથી જોતરું છું !


0 comments


Leave comment