18 - ફાંટા / દલપત પઢિયાર


કશું કળાતું નથી
કોઈનેય તટસ્થ રીતે મળાતું નથી.
એક બોલ
આપણા સુધી આવે એટલામાં તો
એના અસંખ્ય ફાંટા પડી જાય છે !

મને તમારા ઉપર
ગુસ્સો આવે છે.
મારી આંખને કોઈ નિર્મળ કહે છે
ત્યારે, મારે બધી નસોને
પાછી વાળી લેવી પડે છે.
તળાવતરસ્યો હું કેળ થઈ શકતો નથી !

મારા વર્તનને કોઈ સારું કહે છે
ત્યારે મને વખત ઉપર વહેમ આવે છે.
તમે એમ કેમ કહેતા નથી :
સાલા ! તારા ડાબા પગના તળિયામાં
આખા ચોમાસાનો રંગ ધોતો
કાચંડો વકરી રહ્યો છે !

મને વરસવાની
કોઈ એકાદ વેળા તો આલો !


0 comments


Leave comment