20 - ઓળખાણ / દલપત પઢિયાર


સળિયામાં સ્થિર થઈ ગયેલી નદી
આજ સુધી આરપાર થઈ શકી નથી.
આપણે
ક્યે કાંઠે બેસીને ખાલી થવાનું છે ?
આપણે
ક્યા પાંદડાનું નામ બોલીને
પડતું મૂકવાનું છે ?
અટકી ગયેલું બધું જ
આસપાસ, ઓટલો બનતું જાય છે.
ચાલો
આપણે ચરવા માંડીએ,
ચાલો
આપણે તરતા તરતા સામે નીકળી જઈએ,
ચાલો
આપણે દીવા રમતા કરીએ !
નાળિયેર વધેર્યા પછી પણ
કઈ શેષ વિષે આપણો સરવાળો થવાનો છે
એની કોને ખબર ?
આમ ને આમ કદાચ રાફડો થઈ જવાશે.
હું રોજ મને,
વાળ્યા કરું છું ઘરની બહાર !
સવારે જોઉં છું તો
હાથમાંથી ઘાંસનાં જડિયાં ઊખડીને
હેઠાં પડવા માંડે છે.
હું ક્ષણે ક્ષણે સુકાતો જાઉં છું
મને કોઈ ઝાડનો છાંયો પાવ,
મારે લીલા રહેવું છે.
મારા શ્વાસમાંથી જે દિવસે
ડાભની ગંધ આવશે તે દિવસે
સમય પથારી હશે
ને
મારી ઓળખાણ અજવાળું હશે.


0 comments


Leave comment