21 - માટી ખાવાનું મન / દલપત પઢિયાર


રાત્રે ધોધમાર વરસાદ પડ્યો,
સવાર સુધી એનું ઘેન છૂટ્યું જ નહીં !
વાછંટને લીધે,
બંધ કરી દીધેલી બારી ઉઘાડી
ને
આખી રાત
કાચમાં થપાટો મારતો રહેલો સમુદ્ર
અંદર ધસી આવ્યો.
હું તણાઉં તે પહેલાં
ભીંત પરની છબી પાછળ
રાતવાસો રહેલી ચકલી ઊડી,
નાહીને સ્વચ્છ થયેલા
આંગણાના આસોપાલવ ઉપર બેઠી,
રતૂમડો તડકો ખાધો
ને પછી...
નાઠી... ... ...
પથારીમાંથી પગ નીચે મૂકવા જતાં
જોયું તો
ભોંયતળિયે બધે
તુવર તુવર ઊગી ગઈ હતી...
ઘણાં વર્ષે, પાછું
મને માટી ખાવાનું મન થઈ ગયું !


0 comments


Leave comment