22 - તો કહેજો / દલપત પઢિયાર


એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં !
મારું એક મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં... ...
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કાપ્યું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !


0 comments


Leave comment