23 - રંગનું નોતરું / દલપત પઢિયાર


ગામડે હતો ત્યારે
કુંડી પછવાડે એકબીજાને વીંટાળાઈ
ઊંચા થઈ થઈ પછડાતા સાપને જોયેલા
આજે ધખારામાં
ફરીથી એ યાદ આવ્યા :
ચોમાસું બેસવું જોઈએ !
એક વખત
સાવ સુક્કા, ધૂળિયા રંગના કાચંડાની પૂંછડીએ
ભિયા ! ગમ્મતમાં દોરી બાંધી દીધેલો !
મને શું ખબર કે
વરસાદ એની પીઠ ઉપર ઊઘલતો હોય છે ?
આજે,
સામેના ઝાડ ઉપરથી,
કરકરિયાળી ડોક ઉપર રંગનું નોતરું ઝીલતો
વજનદાર કાચંડો,
લચ્ચાક્ કરતો પડી ગયો :
વરસાદ તૂટી પડવો જોઈએ !
ને પછી ?
પહેલાજ વરસાદે
વગડો છૂટા નાગ જેવું નીકળી પડશે,
બધે કીડિયારાં જ કીડિયારાં... ...
કાછડા વાળેલી કન્યાઓ
ડાંગરની ક્યારીઓમાં
છોડ જેવું છલકાઈ જશે
મારે
કેટલા વીંછીને ચીપિયે પકડીને
ઘરની નાહર,
વાડમાં નાખી આવવાના રહેશે હેં !


0 comments


Leave comment