24 - અંતર / દલપત પઢિયાર


મારે બધા જ અર્થો
ઊપણી નાખવા છે.
ખરો અવાજ ઊઠે છે જ ક્યાં ?
સેતુબેતુ તો બધું ઠીક છે !
- આંબલીનો કાતરો – એટલું
બોલતાં પહેલાં ખટાશ આખું મોઢું
વીંછળી નાખે એવું અનુસંધાન
છે ક્યાંય ?
તમે ખાલી ચીઢો જ ઉપાડો ને
આંખ આને આકાશ વચ્ચેનું અંતર
ચણોઠી બની જાય,
ખાલી ખોંખારો જ ખાવ ને
બધી ટેકરીઓ હારબંધ ગોઠવાઈ જાય !
આ બધું માત્ર હાથ ઊંચા કરવાથી નથી બનતું
અંદરથી તો એ બધાંની રગો
એકબીજામાં ઊછરતી પડી હોય છે.
અહીં આપણા બજારમાં
રાતી નખ આખું રણ ધોઈ પીવે
અને રેતનું ઘર પૂછવા નીકળેલી નદી
પગરખાં જોઈને જ પાછી વળી જાય,
બોલો,
પછી ક્યાંથી અંતર કપાય ?


0 comments


Leave comment