26 - અંતરાયોનો પાર નથી / દલપત પઢિયાર


ઘણી વખત થાય છે કે
ચાલો ! બહાર નીકળીએ,
જરાક, છૂટા થઈએ.
જોકે આમ વિચારતાંની સાથે જ
ઘટના અવળી ચાલવા માંડે છે.
એકાદ મુકામની પરકમ્માએ નીકળીએ
ત્યારે જગ્યા ઝાંપો હોય છે !
આવન-જાવનની તો વાત જ શી કરવી ?
ભર બજારમાંથી ઢોલ વગાડતા નીકળ્યા
ત્યારે કોઈએ ઓળખ્યા નહીં
ને
ચાદર ઓઢીને સૂઈ ગયા ત્યારે કે’
જય હો, જય હો !
અંતરાયોનો પાર નથી.
ગુજેડાં ગોઠવીને
બેસી રહેલી બધી દિશાઓ
આંતરે છે, મને.
હું બહાર આવું શી રીતે ?
હસું ત્યારે
સામેની વેલ માંડવો થશે કે નહીં
એની મને સતત દહેશત રહ્યા કરે છે !
ફરું ત્યારે
ગામના કોઈ પરામાંથી
માફો નીકળવો જ જોઈએ
એવું હું શું કામ માન્યા કરું છું ?
ખરેખર તો
હું રડું છું ત્યારે પણ
રાયણને ડૂંખ ફૂટે
એ સંભાવનાને મારે સ્વીકારી લેવી જોઈએ.
કહું ?
સમુદ્ર આખી રાત
ઓશીકે લહેર્યો લેતો પડ્યો હોય
ને સવારે
નરી તિરાડો જ ભેગી કરવાની હોય છે !


0 comments


Leave comment