27 - મને, મારો જ ઑથો / દલપત પઢિયાર


એક જગ્યા વિષે
હું વળી વળીને પહોંચી જાઉં છું
ને પાછો ફરું છું, ઘસરકા લઈને !
ત્યાં
નદી, નદી છે !
પાણી
પગ બોળતાં જ પુનર્જન્મ પામીએ
એવું નકલંક !
એના અવાજમાં ક્યાંય આંતરી પડી નથી.
વહેતી સપાટી ઉપર ઠેકડા લેતાં કાતરિયાં
નીકળી જાય છે સામે કાંઠે, સડસડાટ !
કશા જ સંચાર વગરનો હું, સૂનમૂન !
કરકરિયા પથરા ઊંચકાય એવા નથી :
આખી નદી એમાં
સમેટાઈને સૂતી છે !
રહી જાવ, રહી જાવ – કરતી રેતનો ઘસારો
બધી રગો પૂરી નાખે એવો અડાબીડ છે !
ધરો,
એવી ને એવી લીલી કુંજાર !
ચકલાંની ભાષા પણ અબોટ જેમની તેમ !
ઝાડ,
એમના અવકાશમાં લીન, આખાં ઉઘડેલાં...
ને મને ?
મને, મારો જ ઑથો !


0 comments


Leave comment