28 - આમ તો મારે કશું જ કહેવાનું નથી / દલપત પઢિયાર


આમ તો
મારે કશું જ કહેવાનું નથી.
છતાં
અંદરથી કશુંક એવું પજવ્યા કરે છે કે
મહુડાનાં ફૂલ જેમ
થોકબંધ ફૂટ્યા જ કરે છે !
ભૂલેચૂકે પણ
જો સડક ઉપર ગાડું ખખડે તો
મારાથી ઊંચુંનીચું થઈ જવાય છે.
બળદની કોટના ઘૂઘરાનો
અવાજ બાંધીને
ગામપરગામ રઝળતી ગાડાવાટ
અહીં આવે,
પિંડીઓમાં પ્રવેશ કરે;
પછી
હું પછાડો ન ખાઉં તો બીજું શું કરું ?
અહીં ટેબલ ઉપર
ચબરખીઓ એકઠી કરીને
અકબંધ રાખેલા કાગળ જેવો હું
માંડ માંડ સચવાતો રહ્યો છું... ...
સથરાણ પથરાતા મહુડાનું
હું મહૂર્ત માગું છું.
આપો છો ?


0 comments


Leave comment