29 - સંદર્ભ / દલપત પઢિયાર


બધે જ સંદર્ભો વડે ઓળખાતો થયેલો
હું, મારા અવાજના પણ
કેટકેટલા સંદર્ભ પૂરા પાડું ?
હું વણછાઈ ગયો છું.
મને વળગણી સુધી પાછા જવાનો
કોઈ છેડો આપો છો ?
મને માટી ખાવા દો.
પાણીનો સંદર્ભ
તમે રેત વડે પૂરી શકવાના નથી.
ખસેડી લો
મારી આસપાસના બધા સંદર્ભો.
એક છાંયો,
સરોવર થવા નીકળ્યો હતો
ને તે પછી અમારે
એકેએક ઝાડ નીચેથી, ખરી પડેલાં પાંદડાં
ભેગાં કરવાં પડ્યાં હતાં !
કોઈ આખી વાટનાં પગલાં સંકેલીને
સ્વસ્તિક રમતું રાખે છે.
કોઈ હથેળીઓ અવળી કરી
મનને ઝમતું રાખે છે.
આ બધું તમને કયો સંદર્ભ આપે ?
ખબરેય ન હોય ને નવરી નજર
પાળી ઉપરની ધરો થઈ બેઠો હોય.
પડછાયોય ન અડક્યો હોયને
મેંદીને ફૂલ આવી ગયાં હોય !
પૂળો મૂકીને
તમારી પડપૂછમાં !


0 comments


Leave comment