30 - શ્રી છકેલાજી / દલપત પઢિયાર


એક દિવસ
છછૂંદરી કંઈક બીજા જ કારણસર નાઠેલી
ને છક્યા, શ્રી છકેલાજી !
છક્યા તે એવા છક્યા
કંઈ એવા છક્યા
એકે છેડેથી સમેટાય નહીં.
જેમ જેમ વાળવા જાવ
તેમ તેમ વધે,
ઝાલવા જાવ તેમ તેમ ખસે,
પછી
છે...ટ્ટા જઈને એકલા એકલા હસે.
એક વખત
બધાએ ભેગા મળીને કહ્યું :
પ્રભુ ! આ પનોતા પંડ્યમાં રો’
ખાવ, પીવો ને મોજ કરો.
એવું હશે તો
પૉશે પૉશે પાણી રેડાવશું,
બળતી બપોરના વીંઝણા ઢોળાવશું,
અરે તરતી માછલીઓને
તળિયે મઢાવશું... ...
વાત પૂરી થાય તે પહેલાં તો
તતડી ઉઠ્યા, ત્રિલોકી !
એ નહીં બને,
કદાપિ નહીં બને.
મારાં ટોળાબંધ તેડાંનું શું?
અલ્યા એ તો ઠીક
પણ મારાં ઉપરાઉપરી બેડાંનું શું ?
પડતી પાંપણનું પહેલું પતંગિયું
કેટલું ધોધમાર હોય છે
તેની તમને ખબર છે ?
પસાર થયા હોય તો
ઢગલાબંધ ફૂલોના હવામાનની ખબર પડે ને !
હટો...
મારે તો ઘેર ઘેર
ગોરમટીનાં નિમંત્રણ છે...!
છકેલાજી અમથા અમથાય છકે
છોડ ઊગ્યોય ન હોય ને છકે
છાંટો પડ્યોય ન હોય ને છકે
છીંક ખાય છોડીઓ ને છકે છકેલાજી
છેડા વગરની દોરીઓ ને ચગે છકેલાજી
એમને આગળ બેઠે ઉલાળ નહીં
ને પાછળ બેઠે ધરાળ નહીં
જયારે ને ત્યારે બસ વાતના જ ફરાળ !
ફેંકે એટલે કંઈ આવું ?
બંદા હાથ ઊંચો કરે
ને વાદળમાંથી પડતી વીજળી કંદોરો થઈ જાય.
પછી તમતમારે
કમર ફરતાં ફૂલ ગૂંથ્યા કરો ગૂંથવાં હોય એટલા.
બંદા પગ પછાડે
ને મારગ બધા કુંડાળે પડી જાય
પછી ખૂંદયા કરો : માટી શું કે માદળિયું શું ?
કશું નહીં તો છકેલાજી
એકલા એકલા ઊઘલવા માંડે...
છોગું ખોસે લાલ છબીલા
ખમ્મા !
ધ્રાગતૂક તિન્ના તાગડધિન્ના !
છડી, છત્ર, ધ્વજ, કપિ – ‘હૂં’...પૂ’
આદ, અંત, મધ એક અભિન્ના
ભૂલેચૂલે પૂછી પાડો કે
નાગી તલવાર,
તો કે’ નફો બરાબર,
નાવાની વાત કરો !
- કાચંડાની સીટી
તો કે’ શૈલીનો સવાલ છે,
બંદા ક્યારેય ઓઢીને નીકળતાં નથી !
ખસ,
ખસી જા, ખસી જા
જોતો નથી મારા રંગના પટા ચાલ્યા જાય છે તે !
છાકમાં ને છાકમાં છકેલાજી
નીકળી જાય છત્રીની બહાર
ને ઉઘરાવવા માંડે છાલકો :
છાલક છાલક છાંટો ક્યાં ?
ટાવર-તૂટ્યો કાંટો ક્યાં ?
છેક નજરમાં છૂટી પડેલો આંટો ક્યાં ?
છાલકો ખૂટે નહીં ને
છકેલાજી ઊઠે નહીં...!


0 comments


Leave comment