31 - અમથું / દલપત પઢિયાર


સવાર થાય છે
સવારમાં ઊઠી દાતણ કરીએ છીએ
પછી આખો દા’ડો ડહાપણ ડૉ’ળીએ છીએ
અમથું જ !
દાંત કચકચાવીને દોટ મૂકીએ છીએ
ક્યારેક સફરજન બચકાટીએ છીએ,
ને નખ જેવું ઉતારીએ છીએ કોક ખૂણેથી
અમથું જ !
ચાલતાં ચાલતાં આસોપાલવ આગળ
ઊભા રહી જઈએ છીએ
ને હળવેકથી લીલી ગાંઠ મારીએ છીએ
અમથું જ !
અમથું અડ્યાનું અમથું રવરવે છે આંગળીઓ
ને રહેતું રહેતું રણ વિસ્તરે છે, અમથું જ !
પગલું ઊનું થાય છે
આંખનું વાવેતર સૂનું થાય છે, અમથું જ !
આ જોવું, આ રોવું
આ તડકે તડકે ટોવું
કે ખાલી જગ્યા ખોવું
કે પીંછા જેવું ધોવું –અમથું જ અમથું !
અમથું અમથું આંખ આંખના સરવાળાનું તોરણ અમથું
ધડધડ નેવાં તૂટી પડ્યાનું ધોરણ અમથું
અમથું અમથું ઊડ્યાં અદ્ધર
અમથું આવ્યાં અંદર
અમથું અમથું ઊઘડ્યાં
અમથું બંધ સદંતર
બોલ વતીનું ફૂલ થયાં કંઈ, ફૂલ વતીનું ઝૂલ
થયાં કંઈ, મરવે મરવે મન લંઘાવું અમથું !
આ હાથ વધે તે અમથું, અમથું પગ અંકાવું
આ રક્ત ચડે તે અમથું, અમથું રગ ઢંકાવું
આ દોર તૂટે તે અમથું, અમથું શઢ સંધાવું

આ અમથું શગવું ઝગમગ
આ અમથું હોવું લગભગ
અમથું ખરખર માટી, અમથું ઝલમલ ખેલ્યું
થરથર પવન સપાટી, અમથું જળ સંકેલ્યું
અમથું અમથું ઊંઘ થવું
ને અક્ષર અક્ષર અમથું આ સંચરવું
બસ, અમથું !
હા, હા ! અમથું, અમથું, અમથું !


0 comments


Leave comment