32 - બાપુ બહારવટે / દલપત પઢિયાર


એક દિવસ
બાપુ બહારવટે ચડ્યા !
એમ જ, કંઈક ઊનું ઊથલે ચડ્યું
તે બાપુ બહારવટે ચડ્યા... ...
ધાડબાડ તો ઠીક ઢોલ જેવુંય કંઈ હતું નહીં
પણ સમજો ને ! બાપુ બહારવટે ચડ્યા !
કૂવાકાંઠે વાદળ જેવું વધેલું જોવાનું મન થયું હશે
તે માનો ને ! બાપુ બહારવટે ચડ્યા !
આમેય બાપુને બહાર વધારે ફાવે !
ઘણી વાર ગોદડી ઓઢીને સૂતા હોય ત્યારે પણ
એમના પગ પથારીમાં ના જડે !
આંખ એંસી વર્ષની પણ અમળાટનો પાર નહીં !
કાનનું પણ એકલું જ કહ્યાગરું
ગમે તેટલા ઘોંઘાટથી લગનની લીટીઓ ભેગી કરી લે
પછી બુટ ગરમલા’ય જેવી થઈ જાય
ત્યાં સુધી ઉપરાછાપરી ગોઠવ્યા કરે !
સમજો ને
આવું કંઈક થયું તે બાપુ બહારવટે ચડ્યા !
રાત, રસાલો, રૈયત બાપુ બહારવટે ચાડ્યા !
વાત, મસાલો, તબિયત બાપુ બહારવટે ચડ્યા !
હારતોરા લૂંટે ને ખૂણેખાંચે ખૂટે
આંખમાં ગુલાલ લાલ તેર શ્યાં વછૂટે
બાપુ ! ઠેરઠેર સામૈયાં લૂંટે...
થોકબધું થોકબધું ઠલવાતું લોક જોઈ
ઊતરતે ઢાળેથી કૂતરાએ ખેંચેલી પોક,
પો...ક,...!
અલ્યા બાપુની જાતરાયું ફોક
હત્તારી જાત મારું જણને તો જોવું’તું ?
મૅર હારી છપ્પનની ઘાત મારું જણને તો જોવું’તું ?

રાખો લ્યા,
ખેંચો લ્યા, રાશ્યો લ્યા
માઠા શુકન જરા બાપુને પૂછો લ્યા...
રાત : બાપુ બાપુ ! મૂઈનું કૂઈતરું ભૂઈંચું
બાપુ ! કુકડીના ! તને કૂણે પૂઈછું ?
છોડિયું મારાં ધોળમંગળ ગાય ઈ તને ખૂંઈચું ?
ઘડીક હાંભળ્ય, લે’ર આવશે લે’ર
છોડિયું :
હળવે હળવે વે’લડીઓ હંકાર રે વે’લીડા !
આગળ પાછળ ઈંઢોણી અટવાય રે વે’લીડા !
ઈંઢોણીમાં વાદળીઓ ફંટાય રે વે’લીડા !
બાપુ તારું બલોયું રંડાય રે વે’લીડા !
બાપુ તારું પગલું મેલું થાય રે વે’લીડા !
જો જો પેલું બગલું ઊડી જાય રે વે’લીડા !
બાપુ : અલ્યા રાત ! ઈ કૂણ ?
રાત : બાપુ ! એ તો ઝીણી ઝીણી માખ્યું
બાપુ : તે ઈવડી માખ્યુંની આવડીબધી પાંખ્યું ?
પાંખ્યું ઝપટાણી આંખ્યુંમાં
ભાયે ભોં પર પડતું નાખ્યું !
રાત વધ્યો ત્યાં વાત – નવ ગજ નાક કપાતું રાખ્યું !
બાપુ ! ભલે ઊગિયા ભાણ !
બાપુ ! તરવાર્યું નાં તાણ
બાપુ ! દરિયામાં માં વા’ણ !
બાપુ ! ભાષાનાં ભંગાણ !
બાપુ ! ભલે થિયા અસવાર !
બાપુ ! ઊંઘી ગયા પળવાર !
બાપુ ! જળજળ બંબાકાર !
તગતગતી તરવાર્યું તાણી ગઈ દેડકી
બાપુને હેડકી લગાર
અધવચે આંબો ઝોલે ચડ્યો

ને પછી રાતે મલા’ર... ...
લીલીપીળી પાંદડીઓના આઘાપાછા આરા
ગગન-ટકે તારા, બાપુ સમદર ભરિયા ખારા !
ખારાખારા સમદર મધ્યે એક મજાની ખીલી,
ગલકી-વેલે ગુવાર બેઠા ધનધન વાડી લીલી !
વાડી વિષે વરસ્યા બાપુ ઝરમર હેલી,
પડછાયાનું પાણી પીને વધવધ કરતી વેલી !
વધવધ કરતી વેલી ઠેલી બાર લાખની ડેલી –
હેલી મારી હેલી રે બાપુ તારી ડેલી રે !
અફણની ઉભેલી રે બાપુ તારી ડેલી રે !
રણમાં તરતી મેલી રે બાપુ તારી ડેલી રે !
છોગામાં સંકેલી રે...!
બાપુ તારી ડેલી રે...!


0 comments


Leave comment