33 - માણસ / દલપત પઢિયાર


આપણે માણસ... ...
ખોંખારો ખાતા આ માણસને
ખૂલવાની જગ્યા નથી !
હોંકારો દેતાં આ માણસને
હોવાનો અનુભવ નથી !
ઊભરાઈને, ક્યારેય બહાર આવે તો
એને ગુલમહોરનો અવકાશ અડે ને !

આપણે માણસ...
બુદ્ધ બીડેલા- બારોબાર,
ખડકેલા આપણામાં જ
ને છતાં
ઠેકઠેકાણેથી ખૂટતાં, આપણે માણસ–
ખીચોખીચ !
આપણે નથી ડોલી શકતા;
નથી ડૂંખ કાઢી શકતા.
દટાઈ ગયેલા આપણે
આપણી જ ઓળખાણ વિશે !
હં !

જેની ખીચોખીચ આંખોમાંથી
એવો ખીચોખીચ પાંદડાં ખરે છે
ખીચોખીચ પથારી કરે છે !
જેના ખીચોખીચ અક્ષરોમાંથી
ખીચોખીચ કાગડા ઊડે છે
એવો ખીચોખીચ માણસ,
ખીચોખીચ કાગળ લખે છે !
જેના ખીચોખીચ શ્વાસમાંથી
ખીચોખીચ સળિયા પડે છે
એવો ખીચોખીચ માણસ
ખીચોખીચ ધાબું ભરે છે !
તમે ક્યારે ચોગાન થવાના છો ?

આયનાનો માણસ
ને આયનામાં જોયું તો
તડકો ખીચોખીચ !
તડકાનો માણસ
ને તડકામાં જોયું તો
વેલા ખીચોખીચ
વેલામાં જોયું તો રેતી ખીચોખીચ
રેતીમાં જોયું તો મોજાં ખીચોખીચ
ખીચોખીચ મોજાંમાં
ખીચોખીચ માણસ, ખીચોખીચ ખૂંપે છે !
ને
ઢાળિયામાં નાહીને નીકળેલી ખિસકોલી
ફી... હિક્, કરતી હસે છે,
જુઓ, જુઓ
પેલો વાલોળનો વેલો એક વેંત ખસે છે !
કહેશો ?
માણસ ક્યાં વસે છે ?!


0 comments


Leave comment