34 - બહાર હવાનો ઉત્સવ છે / દલપત પઢિયાર


લાગે છે
આ મકાન બેસી જશે.
આમ કશું ભયજનક નથી.
પુસ્તકો ખડક્યાં નથી,
ટોપલી પણ ઠાલવીને મૂકેલી છે !
હા, ક્યારેક એવું બને કે
ખાનામાં રહી ગયેલું ગાડીબદ્ધ પરબીડિયું
બધું જ ઊથલપાથલ કરી નાખે
કશું જ નથી, એવું.
ભીંત ઉપરની એકલદોકલ ખીલી,
વાળતાં વાળતાં રહી ગયેલી
થોડીક ચબરખીઓ,
કકડો સૂતળી
ક્યાંક, મકોડાનો તૂટી ગયેલો પગ,
બહુ બહુ તો
છૂટી પડી ગયેલી ચીપો મળી આવે !
બસ,
આખું મકાન ખાલી છે.
છતાં અવરજવર એટલી બધી છે કે
મકાન જાણે બેસી જશે.
બારીબારણાં બંધ કર્યે
કશું વળે એમ નથી.
એકલી વાછંટ જ નથી
બહાર
આખી હવાનો ઉત્સવ છે !

દેખાય છે ?
દૂર...
પાળાઓ ઉપર દિવેલા રોપતાં રોપતાં
કોણ આટલાં આગળ નીકળી ગયાં છે તે ?
કબજામાં કઠ્ઠણ થઈ ગયેલાં
વાદળાંની ભોંય સૂંઘતી હવા તો
આ ચાલી...!

પેલાં રાયણ અને કૉઠીનાં ઝાડ
ક્યારનાંય વરસાદ ઝીલે છે.
અલ્લડ ઘૂમતી વાદળી બધાંને કે’ :
કેમ ઊભાં છો ?
જાવ ને !
જોતાં નથી ?
કૂંડી ઊભરાઈને એક થઈ ગઈ ને !
જાવ, ખવાય એટલા ખંખોળિયાં ખાઈ લો.
આભ એકપા થઈ ગયા પછી
ઉઘાડું થવાનું નહીં મળે, હા !
ને કોરાં થવું હોય તો ક્યાં નથી થવાતું ?
વાડે વાડે, બે છેડે થઈ જવાનું !
ચાલો, હું જઉં ત્યારે...
આખરે ઝાડ બોલ્યા :
સામે, ઊભેલાં મકાનમાં
માણસ રહે છે,
હા, માણસ !
અમે એને અનેક રીતે ઉછરતો જોયો છે :
પેન્સિલ છોલતો, ઈંટો પાડતો, કલમ ચડાવતો,
નખ કાપતો, નકશો ચીતરતો
માણસ રહે છે !
બારી આગળ કચકડાની વેલ ગોઠવી
છાંયો શોધતો
માણસ રહે છે !
લાકડાનાં ત્રણ-ત્રણ સારસ ગોઠવી
ભીંતને ટેકો આપતો માણસ રહે છે !
બારીબારણાં સમાન્તરે બેસાડી
આરપાર થયાનું ઓઠું લેતો
માણસ રહે છે !
કપડાં સૂકવવાની દોરીને ગાંઠો મારતો
તૂટેલા કાચને ભેગા કરતો
ને, અકબંધ રહ્યાનું આશ્વાસન લેતો
માણસ રહે છે !
એ મકાન ઉપર વાસો કરનારાં
ચકલાંકબૂતર અવારનવાર આવે છે, અહીં.
પાછાં ચાલ્યાં જાય છે.
ધાબા ઉપરના વધેલા સળિયા સામે
એમનો રોષ ઠાલવતાં, પાંખો ઝૂડતાં
જોયાં છે !
કાગડા અહીં બખોલમાં
તારના ટુકડા મૂકી ગયા છે,
આવે ત્યારે ખરા !...
પણ આપણે ચાલો...
હવા ઊતરી પડી ટેકરીઓનો ઢાળ
ને ઝાડ વરસ્યાં
ધડધડ, ધડધડ... ... ...

ને મકાનમાં.
ટેઈપ ગોઠવી, મોરના ટહુકા વગાડતો માણસ
બારી બંધ કરે છે !
(બહાર હવાનો ઉત્સવ છે !)


0 comments


Leave comment