1.32 - તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? / મુકેશ જોષી


તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના
મારગથી કાંટાઓ શોધ્યા?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના
તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?
તમે એક વાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?...તમે કોઈ દિવસ

તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો?
તમે કોઈના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો?
તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં
માથું મૂકીને રડ્યા છો? ...તમે કોઈ દિવસ


0 comments


Leave comment