1.35 - ચ્યુંઇગમ / મુકેશ જોષી


તારી ચોકલેટી ઇચ્છા પર મારો મુકામ
થાક જીવતરનો સ્હેજ હું ઉતારું
તારી એ ચાખેલી ચ્યુઇંગમને ચગળીને
તરફડતા દિવસોને કાઢું
એક ચ્યુઇંગમ પર જાતને જિવાડું

ચ્યુઇંગમનાં નારંગી મોસંબી અજવાળાં
મારે અંધાર સમે ટેકો
ચ્યુઇંગમથી અળગી હું જાત કરું લાગે કે
આત્માને ખોળિયાથી ફેંક્યો
રૅપરમાં વીંટેલી ચ્યુઇંગમની જેમ
મારા શ્વાસ તને ક્યાંથી વીંટાળું...એક ચ્યુંઇગમ

ચ્યુઇંગમના રસ્તા કે તારી એ યાદો કે
મારી આ લાગણી ના ખૂટે
ભીતરમાં જેમ તને મમળાવું એમ મારી
એક નસ તંગ થઈ તૂટે
ચ્યુઇંગમની જેમ તને ચાખીચાખીને
આંખ શબરીની જેમ હું પલાળું...એક ચ્યુંઇગમ

અહીં સહુકોઈ પોતાની ચ્યુઇંગમ મમળાવે
ને સહુકોઈ એના બંધાણી
ચ્યુઇંગમ એ કાંઈ નથી બીજું કે
યાદ કોક આવે ને લાવી દે પાણી
ચ્યુઇંગમ તો ચોંટે પણ જન્મારો જેનામાં
ચોંટે એ ક્યાંથી ઉખાડું...એક ચ્યુંઇગમ


0 comments


Leave comment