1.37 - તેં તારી રીતે જ / મુકેશ જોષી
તેં તારી રીતે જ ખેલ માંડ્યો
છમ્મ લીલા ખેતર શું આયખું દીધું ને
મૃત્યુનો ચાડિયો ઉગાડ્યો
પર્વતને આસમાની સપનાંઓ દેખાડી
પગમાં પહેરાવી તેં ખીણ
દરિયાને ભોળવી મારીને આપ્યાં તેં
પટકાતાં મોજાં ને ફીણ
સૂરજને નામનો (આભનો) રાજા બનાવીને
આખીય જિંદગી દઝાડ્યો... તેં તારી રીતે જ
ઝાડને ફોસલાવી મારીને કીધું કે:
લઈ જા લે આખી વસંત
પાનખરી થપ્પડ તેં મારીને લઈ લીધાં
ડાળી ને પાંદડાં તુરંત
વાયરો ચૂપચાપ બેઠો’તો એને
તેં આંખો કાઢીને ભગાડ્યો... તેં તારી રીતે જ
જંગલને ખુશ કર્યું ઝરણાથી, રણને
તો ખોબલો ભરીને દીધી રેતી
એકને વેરાન અને બીજાને મૃગજળ
કાંઈ આવી તે હોય રે ફજેતી!
ચાંદ એક આભમાં ચોખ્ખો હતો
તે એમાંય ડાઘ એક પાડ્યો.... તેં તારી રીતે જ
0 comments
Leave comment