1.39 - નામ લખીને / મુકેશ જોષી


નામ લખીને તારું એની આજુબાજુ
કૂંડાળાં કરવાની મુજને ટેવ પડી છે
અને પછી કૂંડાળાંની ખાલી જગ્યામાં
ડૂસકાંઓ ભરવાની મુજને ટેવ પડી છે.

તારી માંહે સૂરજ જેવું કંઈક ચળકતું એવું કે
મુજ છાતીમાંની ધરતી જોને ચાકગતિથી ફરતી
અને પછી મુજ આંખોનાં બદલાતાં જાતાં
નક્ષત્રોની ગતિ ઉપરથી સ્વપ્નાંઓની રાશિ પડતી
આભ લખીને તારું એની આજુબાજુ
તારા થઈ ખરવાની મુજને ટેવ પડી છે ... નામ લખીને

તને સ્પર્શવા હાથ મહીંની રેખા લઈને દોડું તોય
મને ઘેરતા વલયકોશને કેમ કરીને તોડું
તારી મારી વચ્ચે રહેતા અંતરની ત્રિજ્યાઓ લઈને
કેટકેટલા જન્મોના હું ગોળ-ગોળ નિસાસા દોરું
આગ લખીને તારી એની આજુબાજુ
ઘાસ થઈ બળવાની મુજને ટેવ પડી છે ... નામ લખીને


0 comments


Leave comment