1.41 - શું? / મુકેશ જોષી
પાછલા જનમની પ્રીત ભલે ફળતી એ... આવતા જનમમાં
પણ આ ભવનું શું?
પાછલા જન્મે હો ચોમાસાં, આવતા જન્મે છો દરિયા
પણ આ દવનું શું?
શ્રદ્ધાના ચોઘડિયે, ફૂલના શુકનમાં
દીવો કરીને જે કીધાં સ્તવન
ખાલીપો રોજ એના મંત્રી ઉચ્ચારે ને
એકલતાનો જ હજુ ચાલતો હવન
આચમની લઈને હું છોડું સંકલ્પ
પણ હાથમાં હોમવાના આ જવનું શું?
અમથુંય તરણું જો નાખો તો પાંગરે
એવું એ પોચી જમીન સમું મન
આ ભવમાં તરણુંયે ઊગતું નથી તો
કેમ માનવું કે ઊગશે આખો પવન
પાછલા ને આવતા ભવમાં તહેવાર પણ
ઝાંખા પડેલા આ ઉત્સવનું શું?
0 comments
Leave comment