1.43 - પ્રિય પ્રિય દરિયાજી / મુકેશ જોષી


પ્રિય પ્રિય દરિયાજી
સાંભળ્યું કે આભના ખિસ્સામાં વાદળાંઓ
ઠાંસી ઠાંસીને તમે ભરિયાંજી... પ્રિય પ્રિય દરિયાજી

આપણા મિલાપને ઝાઝો વખત વીત્યો
કેમ છે ભરતી ને ઓટ
કેમ છે નાનકડું મોજું કે કાલ જેના
માથામાં વાગી’તી ચોટ
તમને ઓટની છે ભારે પીડા
અહીં મારાંય પાન બધાં ખરિયાંજી... પ્રિય પ્રિય દરિયાજી

આવેલા ભાઈ કાલ રણમાંથી આવ્યા છે
લાવ્યા વંટોળિયાનું જોશ
સાથમાં હોડી તો લાવ્યા નથી છતાં
દરિયો તરવાની છે હોંશ
ભૂલચૂકે ના ડુબાડતા, એક તો
અંગત ને પાછા સસુરિયાજી... પ્રિય પ્રિય દરિયાજી...

ફિશઘરમાં તરતી આ માછલી લખાવે છે
પ્રેમથી વ્હાલભરી યાદ
વળતી ચિઠ્ઠીમાં શું મોકલશો: વાદળું કે
આખેઆખો જ વરસાદ
લખિતંગ આંખમાં વહેતી આ નદીઓ
ને નદીઓનાં નામ નથી ધરિયાંજી... પ્રિય પ્રિય દરિયાજી...


0 comments


Leave comment