1.45 - ફાટ્યા ને તૂટ્યા / મુકેશ જોષી


ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીગડાં લગાવો
તો ક્યાં સુધી ચાલે?
એક વાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે

અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીના માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે... ફાટ્યા ને તૂટ્યા

પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફકત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે.... ફાટ્યા ને તૂટ્યા


0 comments


Leave comment