1.46 - દાર્જીલિંગ જતા પહેલાં / મુકેશ જોષી


બર્ફીલા પહાડોની ગોદમાં લપાશું
તો ઈશ્વરને લાગશે નવાઈ
ને, પૂછશે: આ બાજુ ક્યાંથી, તું ભાઈ!

ધુમ્મસનાં બારણાં અઢેલીને ઝરણાંઓ કરતાં હશે જો તોફાન
ઈશ્વરજી કહેશે કે બારણાં ઉઘાડો: કવિઓ થયા છે મહેમાન
ઝરણાંઓ માટે લઈ જાશું બિસ્કિટ અને ચોકલેટ-દૂધની-મલાઈ
તો પહાડોને લાગશે નવાઈ

સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે સ્વેટર તો કાઢ
આપણેય કહી દેશું ટાઢ બહુ વાય છે, પહેલાં તું તડકો ઓઢાડ
ઈશ્વરજી કહેશે કે તડકો શું ઓઢે છે, ઓઢ મારા નામની રજાઈ
તો સૂરજને લાગશે નવાઈ

રાતની ગોદમાં માથું મૂકીને દૂર સૂતો હશે ત્યાં સન્નાટો
પાછલા જનમનાં ડૂસકાંઓ સાથેની કહી દેશું ઈશ્વરને વાતો
પાછા ફરશું તો, આપણા જેટલી જ ઈશ્વરને કઠશે જુદાઈ
તો લાગશે કોને નવાઈ


0 comments


Leave comment