1.47 - દાર્જીલિંગ જોયા પછી / મુકેશ જોષી


સ્હેજે હજુ કાગળ પર ખંખેરું આંખ અને ઢોળાતા લીલાછમ પ્હાડ
પ્હાડમાંથી ખળખળતું ઝરણું આ નીકળ્યું ને જોવા ઊભું એક ઝાડ

ઝાડના એક ખભે બેઠેલું ધુમ્મસ ને બીજા પર બેઠેલો તડકો
તડકો પિવાયો ના પાંદડાંથી એટલે પંખીએ પાઈ દીધો ટહુકો

ટહુકાના દડદડતા રેલાને ઝાલવા ખોબો ધરીને ઊભાં વાદળ
વાદળના ખોબામાં જળનું વરદાન દઈ ભાગી ગયું કોઈ આગળ

આગળ તો વરરાજા જેવો જ ઊભો’તો ઝાપટું પ્હેરી વરસાદ
વરસાદે કોણ કોણ કેવું ભીંજાયા પણ આંખો ભીંજાયાનું યાદ

યાદની કેડી પર ઊભેલા બાગના ચહેરા પર ફૂલોનું તેજ
તે જ વાત મેં પછી ઈશ્વરને પૂછી: તું મારામાં ખૂબ કે સ્હેજ?


0 comments


Leave comment