2 - પરથમ પહેલા.../ નિવેદન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


    મને નાનપણથી વાંચવાનો શોખ. આઠમા-નવમા ધોરણમાં ભણતો ત્યારે જુલેવર્નની સાહસકથાઓ, સાયન્સ ફિક્સન તથા વિજ્ઞાનદર્શન, સફારી જેવા સામયિકો વાંચતો. આજે પણ સફારી એટલા જ રસથી વાચું છું. અવકાશ વિજ્ઞાનમાં રસ. આગળ જતાં વિજ્ઞાનપ્રવાહ લઈ અવકાશના રહસ્યો તાગવાં હતાં. એ સમયથી મનમાંથી પીએચ.ડી. કરવાનો વિચાર. પીએચ. ડી. એટલે શું? એ ખબર નહીં પણ એટલી ખબર કે પીએચ. ડી. કરીએ એટલે નામ આગળ ડોકટર લાગે. આપણો વટ પડે. (વિશેષણના મોહથી શરૂ થયેલી યાત્રાના આ પડાવે એનો મોહ સદંતર ઓગળી ગયો છે.) દસમાં ધોરણમાં ઓછા માર્ક્સ આવ્યા અને આર્ટ્સમાં ભણવાનું પસંદ કર્યું. પીએચ.ડી. કરવાનો વિચાર મનમાં કોઈ અગોચર ખુણામાં ધરબાઈ ગયો હશે. પછી તો એમ.એ. કર્યું, અધ્યાપક થયો ને એમ નાનપણનું સ્વપ્નું સાકાર કરવાની તક મળી. મારા માર્ગદર્શક આદરણીય મણિલાલ હ. પટેલ સાથે મળીને વિષય નક્કી કર્યો ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા'. મને હંમેશા એમ લાગ્યા કર્યું છે કે આ યુગની કવિતા વિશે જેટલી થવી જોઈએ તેટલી વાત થઈ નથી. આ શોધકાર્યમાં મેં પસંદ કરેલા કવિઓ નીતિન મહેતા, જયદેવ શુક્લ, હરીશ મીનાશ્રુ, સંજુ વાળા, દલપત પઢિયાર, વિનોદ જોશી, યજ્ઞેશ દવે અને મણિલાલ હ. પટેલ વિશે સ્વતંત્ર રીતે તો ઘણાં શોધનિબંધો થયેલા છે પણ આધુનિકોત્તર યુગના ઉપરોક્ત કવિઓ અને અન્ય મહત્વના કવિઓ વિશે એક સાથે અહીં પહેલી વખત વાત થઈ છે ને એમ આ યુગની કવિતાનો એક ચહેરો રચવાનો પ્રયત્ન થયો છે. કવિતા મને અવકાશ જેટલી જ રહસ્યમય અને અનંત લાગી છે. સંશોધનપથનું આ પ્રથમ પગથીયું છે. આગળ જતાં આજ વિષયમાં વધારે ઊંડા જઈ કામ કરવાનું છે. મણિલાલ હ. પટેલ જેવા કવિ-વિવેચકના માર્ગદર્શનને કારણે આવા બૃહદ વિષય પર કામ થઈ શક્યું. સાહેબનો હું આજીવન ઋણી છું. આદરણીયશ્રી રઘુવીર ચૌધરી જેવા મૂર્ધન્ય સર્જક મારા આ પુસ્તકની પ્રેમપૂર્વક પ્રસ્તાવના લખી આપી એને હું મારું સદભાગ્ય ગણું છું.મારા વિકાસમાં હંમેશા રસ લેનાર અને મને સંકોરનાર મારી કૉલેજના આચાર્યશ્રી મોહનભાઈ પટેલ સાહેબે આ પુસ્તક અમારી કૉલેજને યુજીસીએ આપેલ કોલેજ વિથ પોટેન્શીયલ ફોર એકસેલેન્સના અનુદાનથી પ્રકાશિત કર્યું એનો આનંદ છે. સ્નેહી મિત્ર અમૃતભાઈ ચૌધરીએ આ પુસ્તકના વેચાણની જવાબદારી સ્વીકારી એમનો આભાર માનીશ તો એમને નહીં ગમે. આ પુસ્તકને આટલી જલ્દી રાતોના ઉજાગરા કરીને પણ ટાઈપ કરી આપવા બદલ કેતનભાઈ તથા ભરતભાઈનો આભારી છું.

    અંતે એક સાથે સત્તર ઘોડાઓ પર સવાર થવાની ટેવવાળા મારા જેવા માણસને સુધાએ લડી ઝઘડીને આ શોધકાર્યને પુરું કરાવ્યું એના પ્રેમની આ એક રીત છે. થેંકયુ સુધા. જૂઈની પાપા પગલી ભરવાના સમયે જ આ કામ લઈને બેઠો એને આપવાનો સમય આ વિદ્યાકાર્યને આપ્યો એમ સમજીને કે દીકરી બીજું તો શું આપી શકું આજ વારસો. સંશોધનના પથ પરનું આ એક પગલું છે. રસ્તો તો હજી ઘણો લાંબો છે. અંતે આતો આરંભ છે.
- અજયસિંહ ચૌહાણ


0 comments


Leave comment