1.1 - આધુનિકોત્તર ગુજરાતી કવિતાની લાક્ષણિકતાઓ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


    આધુનિક સમયમાં ઉછરેલા કેટલાક કવિઓ આધુનિકતાની વિશેષતાઓ અને મર્યાદાઓથી સભાન રહી પોતાની નિજી ભૂમિકાએ કાવ્યપ્રવૃત થયા. એ વિશે જયદેવ શુક્લ લખે છે :
    “આધુનિકતાના આ સમયમાં પરંપરા સામેનો વિદ્રોહ શરૂ થાય છે. શબ્દ-ભાષા સભાનતા સહિતના અભિવ્યક્તિના અવનવા પ્રયોગો અજમાવાય છે એથી ભાષામાં નવા સ્વાદ ભળે છે, નવી ભાષા તરેહો રૂપ પામે છે. સાથે સાથે ‘સંસ્કૃતિ નહીં કૃતિ’ વિચાર કેન્દ્રમાં આવે છે. વળી શબ્દના, કૃતિના અર્થને છોડવાના, અન્-અર્થ સુધીના આત્યંન્તિક પ્રયોગો પણ થાય છે. એ દરમિયાન ‘રે’ સામયિકના પ્રથમ પૃષ્ઠ પર વાંચી શકાય છે : ‘રે’માં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ જ છીએ, એવું કોઈએ માની લેવું નહીં.” આને કારણે લેખનમાં વિફરાટ અને દિશાહિનતા વધે છે. એ દિવસોમાં તો આધુનિકો જે કંઈ કરે તેનાં યશોગાન ચાલતાં હતાં. આ દરમિયાન, આધુનિકો પછીના કેટલાક તરુણ કવિઓને પ્રતીતિ થતી ગઈ કે પુરોગામીઓને પગલે પગલે જવાથી આપણી સર્જકતા ઝાઝી પાંગરી નહીં શકે. તેમણે નિકટના પુરોગામીની વિશેષતાઓ ને મર્યાદાઓને ઝીણી નજરે પ્રમાણીને સંયત રીતે, કાચબાગતિએ પોતાનો માર્ગ કંડારવા માંડ્યો. પણ, ‘અહો રૂપમ્’ના વધામણાંથી તરબતર એ સમયના સાહિત્યકારોને આ યુવાનોના નૂતન આવિષ્કારોથી સભર અને સંક્રમણશીલ સ્વરો ભળાયા નહીં કે સંભળાયા નહીં." (સમીપે, અંક ૧૦-૧૧, પૃ -૩,૪)

    આ કવિઓ એટલે હરીશ મીનાશ્રુ, મણિલાલ હ. પટેલ, સંજુ વાળા, દલપત પઢિયાર, યજ્ઞેશ દવે, વિનોદ જોશી, નીતિન મહેતા, જયદેવ શુક્લ, ભરત નાયક, જયેન્દ્ર શેખડીવાળા, નીરવ પટેલ. આ બધા કવિઓએ પુરોગામીઓની વિશેષતાઓનો પોતાની કવિતામાં વિનિયોગ કર્યો તો સામે પક્ષે એમની મર્યાદાઓથી સભાન રહ્યાં.

    ઊછીના કે બનાવટી સંવેદનો તેમજ બીબાંઢાળ અભિવ્યક્તિરીતિઓમાં રાચતી કવિતાને સ્થાને આ કવિઓએ “સંસ્કૃતિ’ અને ‘કૃતિ’ બંનેનો જીકર કરી ‘પરિષ્કૃતિ’ની ખેવના રાખી. આપણી સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે અનુસંધાન જાળવી કશુંક નવું નિપજાવવાની મથામણ રાખી. એના પરિપાક રૂપે જ આ સમયના કવિઓ પાસેથી ‘શિખંડ', 'તુણ્ડિલતુણ્ડિકા’, ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’, ‘પોળોના જંગલોમાં’ જેવી રચનાઓ મળી. પોતાની કવિતાને બોલકી થવા દીધા વગર અસ્તિત્વના પ્રશ્નો જેવી અનેક સંવેદનાઓને નીતિન મહેતા, જયદેવ શુક્લ, યશેશ દવે જેવા કવિઓએ પોતાની કવિતામાં કવિતાની શરતે આલેખી. બદલાતા સાહિત્યને નૂતન પરિમાણોમાં અવલોકવા-મૂલવાના પ્રયત્નોમાંથી જ વિદ્યાનગરમાં અજિત ઠાકોર, મણિલાલ પટેલ, અદમ ટંકારવી, હરીશ મીનાશ્રુ જેવા સર્જકોએ ‘પરિષ્કૃતિ’નો સંપ્રત્યય આપ્યો. અનુઆધુનિકોનો આ એક ગંભીર પુરુષાર્થ હતો પણ એ સંપ્રત્યયમાંથી કશુંક સારું નિપજી આવે એ પહેલાં ‘આધુનિકતાનું પુચ્છ’, ‘સંધગાન’, ‘દેડકાઓનું ડ્રાઉંડ્રાઉં’ કરીને એની ટીકા કરવામાં આવી. એની યોગ્ય ભૂમિકાની વાત કરતાં હરીશ મીનાશ્રુ લખે છે:
    “એ વિમર્શમાં સ્થાપિત વિવેચકો-સર્જકોએ જો ઉન્નત-ભ્રુ થયા વિના ચિંતન મનનની ભૂમિકાએ સંવાદ રચ્યો હોત, સંપૂર્તિ કરી હોત તો, સંભવ છે કે રૂડું પરિણામ મળી રહેત. ‘પરિષ્કૃતિ’ ઇલ-ડિફાઈન્ડ સંજ્ઞા છે એવું પણ પ્રતિપાદિત કરી શકાયું હોત. તો એવી ચેષ્ટામાંથી પણ ‘વેલ-ડિફાઇન્ડ’ સુધી જવાની સંભાવના શોધી શકાત.” (એજન, પૃ.૭૭)

    આજ ચંદ્રકાન્ત ટોપીવાળા, શિરીષ પંચાલ જેવા વિવેચકો આધુનિકોત્તર કવિતા અને ‘પરિષ્કૃતિ’ને ગંભીરતાથી જોતા થયાં છે. તાજેતરમા જ મહેમદાવાદ કોલેજમાં ‘સાંપ્રત ગુજરાતી સાહિત્ય’ પરના પરિસંવાદમાં બીજરૂપ વક્તવ્ય આપતાં ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘પરિષ્કૃતિ’ને આજે ફરીથી જોવાની જિકર કરી. શિરીષ પંચાલ, જયદેવ શુકલ, બકુલ ટેલરે પણ ‘સમીપે’ સામયિકનો એક આખો વિશેષાંક આ સમયના મહત્વના કવિઓ વિષે કર્યો એ પણ આજ વાતને અનુમોદન આપે છે.

    જ્યારે સુમન શાહ જેવા વિવેચક આજે પણ આ કવિઓને ‘આધુનિક જ ગણે છે.’ (સાહિત્યમાં આધુનિકતા, પૃ.ર૧૮) કારણકે એ આપણી કવિતાને પશ્ચિમના અનુઆધુનિકતાવાદની દૃષ્ટિથી જુએ છે. પણ આપણે તો આપણી પોતાની દૃષ્ટિથી આપણાં અનુઆધુનિકતાવાદને જોવાનો છે. આપણે આપણી દૃષ્ટિથી જોઈએ તો આ બધા જ કવિઓ અનુઆધુનિક કવિઓ છે. વળી એતો આગળ વધી ‘આપણા અનુ-આધુનિકતાવાદને કશી દાર્શનિક પીઠિકા નથી' (અનુ-આધુનિકતાવાદ અને આપણએ, પૃ.-૬૨) જેવાં વિધાનો કરે છે. આપણે પોતે આપણા સાહિત્યનો સઘન અભ્યાસ કરી એની પીઠિકા રચવી પડશે. આધુનિકોત્તર કવિતા-વાર્તામાં પ્રગટેલા આ નવા ઉન્મેષોમાંથી આપણે આ નવી કવિતાની કેટલીક લાક્ષણિકતાઓ તારવી શકીએ.
  - આ કવિઓની કવિતામાં માત્ર ભાષા કે શબ્દ નહીં પણ જીવનવિચાર પણ કેન્દ્રમાં આવ્યો.
  - પરંપરા સાથે રહીને પણ પ્રયોગશીલ બનવાનું વલણ બળવત્તર બન્યું.
  - આધુનિક કવિતાની અર્થહીનતા કે દુર્બોધતાને સ્થાને અર્થવિલંબન કરતી કવિતા આવી.

  - પોતાના મૂળ-કુળ તરફ પાછા વળવાનું વલણ વધ્યું. (ગ્રામચેતના)

  - પોતીકા સંવેદનનું, પોતીકા સમાજ સંદર્ભે, ભાષાસંદર્ભ સાથેનું આલેખન થયું.
  - 'ગ્લોબલ’ની સાથે ‘લોકલ’ પણ એટલું મહત્વનું ગણી એની વાત આ .કવિઓએ કરી.

  - મધ્યકાલીન સ્વરૂપો તો પ્રયોગશીલ રીતે પ્રયોજાયા સાથે સાથે મધ્યકાલીન જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગની ભજન પરંપરા સાથેનું અનુસંધાન પણ જોડાયું. .

  - પુરોગામીઓની કૃતિઓના સંદર્ભોનો નૂતન પરિપ્રેક્ષ્યમાં સર્જનાત્મક વિનિયોગ થયો (Intertextuality)
  - અત્યાર સુધી હાસિયામાં રહેલાં લોકોની વાત કેન્દ્રમાં આવી. (નારીચેતના, આદિવાસીચેતના, દલિતચેતના)
    ઉપરોક્ત લાક્ષણિકતાઓ આપણે આ સમયના મહત્વના કવિઓમાં જોઈ શકીએ છીએ. આધુનિકતા સાથેનું અનુસંધાન શરૂઆતમાં નીતિન મહેતા, જયદેવ શુક્લમાં વધુ છે. પણ પછી તે પણ એમાંથી બહાર આવી જાય છે. નીરવ પટેલ, કાનજી પટેલ, મણિલાલ પટેલ, દલપત પઢિયાર, વિનોદ જોશી, સંજુ વાળાની કવિતામાં આધુનિકતાથી તદ્દન જુદો જ ભાવ-ભાષા પરિવેશ રચાય છે. એટલે આધુનિકોત્તર કવિતાએ આધુનિક કવિતાનો વિસ્તાર નથી પણ તદ્દન જુદી અને નવી કવિતા છે એના સંકેતો યોગ્ય રીતે જ પામી ગયેલા ચંદ્રકાન્ત ટોપીવાળાએ લખ્યું :
    “હવે આધુનિકતાવાદના ઓસરતાં પાણી છે.... આજે હવે આપણે દેશીવાદ તરફ, આપણાં મૂળિયાં તરફ, દલિતો સહિત આપણી ઓળખ તરફ પાછા વળી રહ્યાં છીએ. આંતરિક એકાગ્રતા ભણી જઈ રહ્યાં છીએ.” (બહુસંવાદ, પૃ.૬૭)

    વૈશ્વિક રીતે જોઈએ તો પણ ઝાંક દેરિદા-રોલાં બાર્થ સત્તાના આજકેન્દ્રો ટૂટવાની વાત કરે છે ને એક કેન્દ્ર ટૂટે છે ને એમાંથી અનેક કેન્દ્રો રચાય છે. દરેક કેન્દ્રને પાછું પોતાનું વર્તુળ છે.

    આગળ વાત કહીએ કવિઓની કવિતા વિષય અને અભિવ્યક્તિના નવા નવા આયામો રચતી હોવા છતાં આ બધા કવિઓની ફરિયાદ રહી છે કે એમની કવિતાને આપણાં વિવેચને યોગ્ય રીતે જોઈ નથી. (સમીપે અંક ૧૦- ૧૧) એ કવિઓ તો એટલે સુધી કહે છે કે “...અનુઆધુનિક કવિઓ વિશે જ્યારે જેટલી અને જેવી જેના દ્વારા વાતો થવી જોઈએ તે થઈ નથી. અછાંદસ, ગીત કે ગઝલ જેવાં સ્વરૂપોમાં લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ પારેખ, અનિલ જોશી, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી સુધી વાત અટકી જાય છે. કેમ જાણે એ પછી ચોરાનો વંશ ખાલી ગયો હોય કે સમ ખાવા જેટલુંય સારું ન થયું હોય તેવું ચિત્ર ઉપસે છે. બ.ક.ઠાકોર, સુંદરમ્ કે ઉમાશંકર જોશીએ તેમના સમયની ઊગતી પેઢીમાંથી ઉત્તમ તારવી બતાવ્યું હતું. આજના જે પૂર્વસૂરિઓ પાસે અપેક્ષા છે તે બીતાં બીતાં પગલાં ભરે છે. અનુઆધુનિક વિશે બ્લેક એન્ડ વ્હાઈટમાં કહેવા એટલા તૈયાર નથી. અમે તે કહીએ છીએ કે “આ ઉઘાડી પીઠ, ચાબખા મારી અમને સબોડી નાખો. કાંઈક આંગળી ચીંધો હકદાર હોઈએ તો પીઠ થાબડો પણ તમારા બંધ હોઠનું મૌન indifference સહેવાતું નથી.” (યજ્ઞેશ દવે, સમીપે ૧૦-૧૧, પૃ.-૨૮, ૨૯)

    આ બધા આધુનિકોત્તર કવિઓએ શું સિદ્ધ કર્યું, ક્યાં ભાવ – ભાષા - અભિવ્યક્તિમાં લથડીયાં ખાધાં એની તપાસ સાથે આ સમયની કવિતાનો કેવોક ચહેરો રચાયો એનો એક આલેખ આગળનાં પ્રકરણોમાં આપવાનો છે. પરંપરામાં રહીને કે પરંપરાથી ઊફરા (વિચ્છેદ કે વિદ્રોહ નહીં) જઈને જે કશુંક નિપજાવી શક્યા છે એ દર્શાવી આપવાનો ઉપક્રમ છે.


1 comments

QMarcoPoloXTR

QMarcoPoloXTR

Nov 30, -0001 12:00:00 AM

wah

0 Like


Leave comment