59 - હાડપિંજર થઈ ગયેલા શ્વાસમાં / દિનેશ કાનાણી


હાડપિંજર થઈ ગયેલા શ્વાસમાં
હું જીવું છું જિંદગીની પ્યાસમાં !

વાદળોમાં સૂર્ય ઠેબા ખાય છે
ચાંદ ઊભો ખખડધજ આકાશમાં !

તોલમાપક યંત્ર જેવા માણસો
કેવા બેઠા છે નિરાંતે ઘાસમાં !?

વૃક્ષની હત્યા કરે જે એ બધાં
ભૂખરા પથ્થર થશે વનવાસમાં !

ઈશ્વરે ઢોળ્યાં પતંગિયામાં એમ
રંગ ઢોળે બાળકો કેન્વાસમાં !

હું ગઝલના વસ્ત્ર પહેરાવું અને
શબ્દ આવી જાય છે ઉલ્લાસમાં !

ટાઢ તડકો ને પછી વરસાદમાં
મેં તને ઝંખી છે બારેમાસમાં !


0 comments


Leave comment