67 - રંગસ્તવન / હરીશ મીનાશ્રુ


ચલો ને ચૂંટીએ ચન્દ્રોદયે તાજી કિરણઝૂડી
પવન પણ પકવ ફળની ગંધ શો ગળચટ ને જાંબુડી

લીલોકુંજાર રેલો તરફડી પિંગળ ઉજાસોમાં
કશી રચના કરે તો ફડફડે પોપટની પંખૂડી

સુનેરી વર્ણની શંકા લઈ નીરખે છે લંકાને
વિજેતા રંગની ખિસકોલી રાખોડી ને રમતૂડી

સરળ શૂન્યો થકી ભૂરાં દીસે છે ભૂર્ભુવઃ ભુવનો
પિરોજી બુંદ પણ નક્ષત્ર થૈ નિજમાં જશે બૂડી

કિરમજી ચુંબનોનાં ઓઘરાળા ચાંદની ઉપર
લકીરો વક્ષના સૂનકારમાં રાતીચટક રૂડી

કવિના કંઠ પર નીલા સ્મરણની પારદર્શકતા
લિસોટાને કરંડે પૂરવા ટળવળતો ગારૂડી

બને તો સૂર્યમાં રગદોળજો કર્બૂર કાયાને
સફેદી સંતને પણ મ્હેણું મારીને ગઈ ઊડી


0 comments


Leave comment