68 - ચિત્રકસ્તવન / હરીશ મીનાશ્રુ


રંગને આકાશ ઘટમાં ઊડવા જેવું હજો
શ્વેત પટ પર સરલ અટપટ ડૂબવા જેવું હજો

મન સજળ સ્વાતિ થઈ વરસી રહે તેવી ક્ષણે
આ ચીતરવું છીપ મધ્યે બૂડવા જેવું હજો

આડાઅવળા સર્વ લીટા લટ બની લહરી રહે
એ અકળ મુખ પરથી ઘુંઘટ ઊઠવા જેવું હજો

ટમટમે છે વ્યંજનાથી પંખીઓ નક્ષત્ર થૈ
તે અરૂપે રૂપવિસ્મય પૂરવા જેવું હજો

સર્વ રેખાઓ સરે પકડી પવનની તજર્ની
જળલહરને દોર સરવર ગૂંથવા જેવું હજો

શુદ્ધ પીળા વર્ણની નિઃશબ્દતા તું, વાન ગોગ
આ સ્મરણ સૂરજમુખી થૈ ખૂલવા જેવું હજો

મારા જળરંગી વિચારો પારદર્શક હો સદા
તે છતાં સગપણ અષાઢે રૂઠવા જેવું હજો

આ અજાણ્યાં સ્વર્ગનું સહજે મઢાવું ફ્રેમમાં
મારું ઈશ્વરના ઝરૂખે ઝૂકવા જેવું હજો

ચિત્રમાંથી કોઈ દેખણહાર લૈ લે ચિત્રને
શેષ ચિત્ર જ પૂર્ણની પળ ઘૂંટવા જેવું હજો


0 comments


Leave comment