69 - દીવાલો છેવટે ઊકલી જવાની સાદડી માફક / હરીશ મીનાશ્રુ


દીવાલો છેવટે ઊકલી જવાની સાદડી માફક
ફફડતાં જીર્ણ બારી બારણાં આખરઘડી માફક

તમે થાપા લગાવી ગાલ રાતો રાખજો ઘરનો
અમે બાંધી લઈશું દુદર્શા નાડાછડી માફક

ચૂલામાં સાવ ટાઢી શેર જેવી રાખની ઢગલી
જઠર જો હોત માટીની, હું તોડત તાવડી માફક

મૂક્યો પ્હેલે પગથિયે પગ અને કાળજ-સમાણાં જળ
બૂડાડે છે સમય બત્રીસ લક્ષણ વાવડી માફક

હૃદયમાં લ્હાય, માદળિયું ગળે ને બાવડે તાવીજ
ફળ્યો છે શબ્દ દુખિયારાંને બાધા આખડી માફક

અમારી નાડીઓ પર જમદૂતે બાળોતિયાં સૂકવ્યાં
જનમતાંવેંત મેં બાંધ્યું મરણને કાછડી માફક


0 comments


Leave comment