70 - જાતને જાતથી ભાગવી નિર્ગુણે ગુણવી / હરીશ મીનાશ્રુ


જાતને જાતથી ભાગવી નિર્ગુણે ગુણવી
ને અશબ્દે અભિવ્યક્ત કરવી વ્યથા, હે કવિ

જેને આદિ ન હો,-અંત એના રૂડા કલ્પવા
હોય ના ક્યાંય જેનો કથક એ કથા સૂણવી

અજ્ઞથી યજ્ઞ લગ તું ને તારી અગન વ્યાપ્ત છે
તું જ હોતા હવન તું જ હોવું હવા ને હવિ

કરમ કરતાં કઠણ હોય પ્હાણો ભલે પિંડ આ
ક્ષણ વડે કણ ગૂંદી સહજ લેવી કણક કૂણવી

દંડ દે, હું જ તસ્કર મધુતત્ત્વનો, હે કમલ
હું જ કારા વિષે વાસ કરવા કરું પેરવી


0 comments


Leave comment