71 - બીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો / હરીશ મીનાશ્રુ


બીજ પાસે ઉચ્ચરું જ્યાં મંત્ર પૂરો આપનો
સદ્ય વૃક્ષાકાર ધારે રસ મધુરો આપનો

હું જુગલબંદી કરું તો હુંવિણો સર્વત્ર હું :
ચોતરફ વણતંત તન્મય તાનપૂરો આપનો

કેટલી સીધી સરળ છે આપની સંદિગ્ધતા
સ્વાદ છે બરછટ ચળકતો, રંગ તૂરો આપનો

માત્ર બે છે હસ્તપ્રતની વ્યંજનાના રંગ, તો
શ્વેત હું રાખી લઉં, શાહીનો ભૂરો આપનો

આ સકળ વિશ્વોની ધીમી ચર્વણામાં આપ રત
ને અહીં મારે ગળે બાઝે ડચૂરો આપનો

રણ પવન પર્વત વટાવી વૈતરણ, પકડું ચરણ
હું જ પડછાયો અનાદિથી અધૂરો આપનો

મદ્યનાં ટીપાં બને જ્યાં દ્રાક્ષનાં દાણા સરસ
રિન્દમાં પ્રગટે પરિચય પૂરેપૂરો આપનો

બંદગીને હોય કેવળ અથ, ન ક્યારે પણ ઇતિ
એક બંદો આ રહ્યો આરંભશૂરો આપનો


0 comments


Leave comment